ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટના આર્થિક સહયોગથી આયોજન મોરબી: મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટના આર્થિક સહયોગથી આગામી તારીખ 4 અને 5 ડિસેમ્બરના રોજ કેન્સરના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ, ૩- નવાડેલા રોડ, મોરબી ખાતે ઉદયભાઈ વિનોદભાઈ મહેતા પ્રેરિત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કૅન્સર નિષ્ણાત સર્જન ડોક્ટર વિક્રમભાઈ સંઘવી (M. S.) કેન્સરના દર્દીઓને આગામી તારીખ 4 ડિસેમ્બર શનિવારે સાંજે ૪ થી ૭ અને તારીખ 5 ડિસેમ્બર રવિવારે સવારે ૯ થી ૧૨ના સમય દરમિયાન વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેન ચૌહાણ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેસ પેપર સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે જણાવેલ છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, છેલ્લાં ૩૨ વર્ષથી દર બે મહિને કેન્સર નિદાન કેમ્પનું નિયમિત આયોજન થતું હતું. પરંતુ કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી આયોજન શક્ય બનતું ન હતું. જે હવેથી નિયમિત દર બે મહિને કેમ્પનું આયોજન કરવામાં આવશે.