પોલીસથી બચવા ટ્રેનમાં જ કાઢતો હતો સમય, હાલ આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર મોરબી: મોરબીમાં લોકોને છુટા પૈસાના બંડલ આપવાની લાલચ આપીને આંગડીયા મારફતે લાખો રૂપિયા પડાવી લેતા એક ગઠિયાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આ ભેજાબાજ પોલીસથી બચવા અને હોટલનો ખર્ચ બચાવવા સતત ટ્રેનમાં જ મુસાફરી કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.શું હતો સમગ્ર મામલો?મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ જ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ રતીલાલ દેત્રોજાને એક શખ્સે ફોન કરીને ૧૦ અને ૨૦ રૂપિયાની નોટોના બંડલ આપવાની લાલચ આપી હતી. આ શખ્સે અમદાવાદ ખાતે બીજા નામે પૈસાનું આંગડિયું કરવાનું કહેતા ચેતનભાઈએ વિશ્વાસમાં આવીને રૂ. ૨,૫૦,૦૦૦/- નું આંગડિયું કર્યું હતું. જોકે, પૈસા મળી ગયા બાદ આ શખ્સે છુટા પૈસાના બંડલ ન આપીને છેતરપીંડી આચરી હતી. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બી.એન.એસ કલમ.૩૧૮(૪) અને ૩૧૯(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુરપોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી આરોપી પંકજભાઇ કેશવજીભાઇ ફેફર (રહે. નવાગામ-લખધીરનગર, તા. મોરબી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા તેના દિન-૨ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.મોડસ ઓપરેન્ડી: હોટલનું બીલ અને પોલીસથી બચવા ટ્રેન જ બની ગઈ હતી ઘર!પોલીસ તપાસમાં આ ભેજાબાજની કામ કરવાની રીત જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. આરોપી પંકજભાઈએ છેલ્લા છ મહિનામાં મોરબી અને અન્ય જિલ્લાના ૧૫ જેટલા લોકોને આ જ રીતે ૧૦ અને ૨૦ ની નોટોના બંડલની લાલચ આપીને ખોટા નામે આંગડિયું કરાવી છેતર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડી ન પાડે અને કોઈ હોટલનો ખર્ચ ન કરવો પડે તે માટે તે સતત અમદાવાદ, સુરત, જયપુર અને ગોવા જેવા શહેરોમાં ટ્રેન મારફતે જ મુસાફરી કરતો હતો. તે મોટાભાગનો સમય મુસાફરીમાં જ કાઢતો હતો. જ્યારે કોઈ વ્યક્તિને છેતરવાનો હોય અને પૈસા લેવાના હોય ત્યારે જ તે અમદાવાદ અથવા સુરત જઈને આંગડિયું મેળવી લેતો અને ફરીથી ટ્રેનમાં ફરાર થઈ જતો હતો.અગાઉ પણ નોંધાઈ ચુક્યો છે ગુનોઆરોપી પંકજભાઈ ફેફર અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ ૨૦૧૯ માં પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની સામે ઈ.પી.કો કલમ.૪૦૬, ૪૨૦, ૫૦૭ મુજબ આવો જ છેતરપીંડીનો ગુનો નોંધાઈ ચુક્યો છે. આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ જો અન્ય કોઈ વ્યક્તિ આવી છેતરપીંડીનો ભોગ બની હોય તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ સફળ કામગીરી પી.આઈ. આર.એસ. પટેલની સુચનાથી પી.એસ.આઈ. જે.સી. ગોહિલ, સી.એસ. સોંદરવા, એ.એસ.આઈ. સવજીભાઈ દાફડા, કિશોરભાઈ મિયાત્રા તથા હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા સહિતના ડી-સ્ટાફના જવાનો દ્વારા કરવામાં આવી હતી.