આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ : માતા પાર્વતી અને દેવાધિદેવ શિવના વિવાહનો દિવસમહાશિવરાત્રીના દિવસે મહાદેવજી શિવલિંગના રૂપમાં પ્રથમવાર પ્રગટ થયા હોવાની માન્યતામોરબી : હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની પૂજા-અર્ચના અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિશેષ છે. મહાશિવરાત્રી એ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચના રોજ ઉજવવામાં આવી રહી છે. હિંદુ શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ શિવની પૂજા અને ઉપાસના માટે સમર્પિત છે.હિન્દુ પંચાંગ અનુસાર દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. પરંતુ ગુજરાતી પંચાંગ પ્રમાણે મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહા વદ ચૌદસ તિથિએ થયા હતા. આ કારણોસર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન શિવ એવા દેવતા છે જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે.શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવજી શિવલિંગના રૂપમાં પ્રથમવાર પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું. આ કારણોસર, મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત, દેવાધિદેવ શિવ અને માતા પાર્વતીના લગ્ન મહા માસની વદ ચતુર્દશીના રોજ થયા હતા, આ કારણથી મહાશિવરાત્રી પણ ઉજવવામાં આવે છે.શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, લોકો સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો, તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે.સમુદ્રમંથનએક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમ કે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.પ્રલયઅન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વજીતીએ તેમના પતિ શિવજીની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે, તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ, મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.શિવની પ્રિય રાત્રિસૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીજીએ શિવજીને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઇ.શિવની આરામની રાત્રિપ્રચલિત એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવજી આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલે કે ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવજીનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવજી પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.