ભારે પવન ફૂંકાતા ઉપરથી પસાર થતી વિજલાઈનમાંથી તીખારા પડતા આગ લાગી હળવદ : મોરબી જિલ્લાની સાથે આજે હળવદ તાલુકામાં પણ મીની વાવઝોડા જેવો પવન ફૂંકાયો હતો. આ જોરદાર પવન ફૂંકાતા વિજલાઈનમાંથી તીખારા ખરતા હળવદના કોયબા ગામે પશુઓના ચાર વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે આસપાસના લોકોએ અપના હાથ જગનાથ કરી આગ બુઝાવી નાખી હતી. પણ ત્યાં સુધીમાં આગમાં મોટા પ્રમાણમાં ઘાસચારો સળગી ગયો છે. હળવદ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો. આ જોરદાર પવન ફૂંકાતા હળવદના કોયબા ગામે આગની ઘટના બની હતી. જેમાં હળવદના કોયબા ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ કાળુંભાઈ ભરવાડના ચાર જેટલા પશુઓના વાડામાં ભારે પવન ફૂંકવાથી ઉપરથી પસાર થતી વિજલાઈનમાં શોર્ટ સર્કિટથી તીખારા પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ વાડાઓમાં પશુઓ માટે ઘાસચારો હોય આગે જલ્દીથી વેગ પકડી લીધો હતો અને વાડામાં રહેલો ઘાસચારાનો મોટો જથ્થો ભડભડ સળગવા લાગતા અંદાજીત રૂ.2 લાખથી વધુનો ઘાસચારો સળગી ગયો હતો. જો કે ગામલોકોએ જાતમહેનતે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.