બાળકોને ફળ-સુખડી તથા લાભાર્થીઓને THR વિતરણ કરાયું: ઉત્કૃષ્ટ કામગીરી માટે આંગણવાડી વર્કર, તેડાગર અને આશા વર્કરનું સન્માન કરાયુંમોરબી અપડેટ : વનાળીયા ગામની આંગણવાડી ખાતે તાજેતરમાં “આંગણ મિલન સેવા” અંતર્ગત આંગણવાડી સન્માન અને માતૃ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં VHSNC ના સભ્યો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આંગણવાડી સાથે જોડાયેલા બાળકો, માતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને મહિલા આગેવાનો દ્વારા બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નાના ભૂલકાઓ દ્વારા બાળગીત, બાળવાર્તા, વિવિધ રમતો અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓની રજૂઆત કરવામાં આવી હતી, જેનાથી આંગણવાડીમાં ઉત્સવ જેવું હળવું અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું.આ પ્રસંગે માતૃમંડળ, વાલીઓ અને કિશોરીઓ સાથે વિશેષ સંવાદ અને સભા યોજી બાળકોના પોષણ, આરોગ્ય, સ્વચ્છતા અને સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિયમિત અને સુધારેલ પોષણ સેવાઓ આપવા બદલ 'પોષણ ચેમ્પિયન એવોર્ડ' આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લાભાર્થીઓને THR (ટેક હોમ રાશન) નું વિતરણ કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીનો પત્ર પણ આપવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર, તેડાગર તથા આશા વર્કર દ્વારા કરવામાં આવતી ઉત્તમ કામગીરીને બિરદાવવા તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ગ્રામજનો અને આગેવાનોએ આંગણવાડી કેન્દ્રને ગામના બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસનું એક મજબૂત કેન્દ્ર બનાવી રાખવા માટે સતત સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી આંગણવાડી, વાલીઓ અને ગ્રામજનો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Vanaliya #Anganwadi #AanganMilanSeva #PoshanAbhiyan #WomenAndChildDevelopment