મોરબી : સામાન્ય રીતે, શાળાના શિક્ષકો અને આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજવામાં આવતા હોય છે. પરંતુ પટાવાળા માટે ખાસ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવતું નથી. જોકે શાળામાં તેમનુ પણ યોગદાન મહત્વનું હોય છે ત્યારે નીચી માંડલની શાળા દ્વારા શાળાના પટ્ટાવાળા નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં આ શાળા સેવકનું માનભેર સન્માન કરી તેમને વિદાય અપાઈ હતી. મોરબીના નીચી માંડલ ગામની શ્રીમતિ કુંવરબેન ગોવિંદભાઈ કુંડારીયા વિધાલયના પટ્ટાવાળા શ્રી ભીખાભાઈ ટી. ડાભી વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળા પરિવાર વતી તેમને હાર પહેરાવી ભેટ આપી તેમની ફરજ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી. તેમજ શાળા દ્વારા પટ્ટાવાળાને પણ માન-સન્માન આપી તેમનો વિદાય સંભારંભ યોજી અન્ય શાળાઓને પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.