મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી જવાહર સોસાયટીની યુવતીનું ઝૂલતાપૂલ દુર્ઘટનામાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ ઝૂલતાપૂલની દુર્ઘટનામાં દિવગંત થયેલી પુત્રીની કાયમ યાદગીરી રહે અને તેના પુણ્ય આત્માના શાંતિ મળે તે માટે સેવાકીય કાર્ય કરીને તેના પરિવારે પુત્રીની સ્મૃતિમાં પાણીનું પરબ બંધાવ્યું છે. મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયો હતો. તેમાની એક મોરબીના સામાકાંઠે આવેલી જવાહર સોસાયટીમાં રહેતી આશરે 22 વર્ષીય યુવતી પૂનમબેન મકવાણાએ ઝૂલતાપૂલની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ત્યારે પોતાની આ વ્હાલસોયી પુત્રીની કાયમ યાદગીરી રહે અને સાથેસાથે લોકોની તરસ છીપાવી સેવાકીય કાર્ય કરવા માટે તેમના પરિવારે એલઇ ક્રિકેટ ગાઉન્ડ સામે આવેલ જોડિયા હનુમાનજી મંદિરે પાણીનું પરબ બંધાવ્યું છે. જો કે આ પરિવારે તેમની પુત્રીના ધામધૂમથી લગ્ન કરવાના કોડ સેવ્યા હતા પણ દુર્ભાગ્યપૂર્ણ દીકરી હયાત ન હોય લગ્નનો જે ખર્ચ કરવાનો હતો તે ખર્ચ સેવાકાર્યમાં વાપરી અને આ પાણીનું પરબ બાંધી દીકરીના આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞ કર્યો હતો.