પૂર્વ કર્મચારી સહિતના ચાર શખ્સોએ શેઠને કારખાને પહોંચે તે પહેલાં જ ઉઠાવી લીધા, છેક અમદાવાદ સુધી લઈ ગયા બાદ પાંચમા શખ્સને પૈસા મળી જતા છોડી દેવાયા : પૂર્વ કર્મચારીનું રૂ. દોઢ લાખનું લેણું હોય, તેના બદલે રૂ.10 લાખ આપવાની માંગ કરી હતી મોરબી : મોરબીના કારખાનેદારનું અપહરણ કરીને પૂર્વ કર્મચારી સહિતના 5 શખ્સોએ રૂ. 5 લાખની ખંડણી ઉઘરાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ સમગ્ર બનાવને ફિલ્મી ઢબે અંજામ આપ્યો હોય, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા ઉ.વ.૪૦, ઘંટુ-બેલા રોડ ઉપર યુગા સિરામીક નામનુ સેનેટરીવેરનું ભાગીદારીમાં કારખાનુ ધરાવે છે. ગઇકાલ તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ સવારના સાડા આઠેક વાગે કારખાને જતી વખતે એક મોઢે રૂમાલ બાંધેલ ઇસમે અચાનક ઝાડીમાંથી આવી ધક્કો મારી મોઢું દબાવી પકડી લીધેલ હતો. આ દરમ્યાન અન્ય ઈસમોએ આવી જિજ્ઞેશભાઈને ઇકો કારમાં પાછળના ભાગે બેસાડી, મોબાઇલ ફોન લઇ સ્વીચ ઓફ કરી દીધેલ અને આ કારમાં કુલ ચાર માણસો ડ્રાઇવર સહિતના હતા. આ શખ્સોએ મોઢેથી રૂમાલ હટાવતા માલુમ પડ્યું કે બે શખ્સ કારખાનામાં અગાઉ કામ કરતા પવન તથા મનોજ ઉર્ફે ટાપન બહેરા હતા. બીજા બે અજાણ્યા માણસો હતા. હળવદની આસપાસ પહોંચતા મનોજ ઉર્ફે ટાપનએ જિજ્ઞેશભાઈને કહેલ કે, હુ અગાઉ તમારા કારખાનામાં કામ કરતો ત્યારના આશરે દોઢ લાખ મારે તમારી પાસેથી લેવાના નિકળે છે. જે મારા નીકળતા રૂપીયા તમારી પાસે અવાર નવાર માંગવા છતા તમે આપતા નથી, તો હવે તમારે મને દશ લાખ રૂપીયા આપવા પડશે. જિજ્ઞેશભાઈએ આજે રવિવાર હોવાનું કહેતા આ માણસો પૈકી મનોજ ઉર્ફે ટાપનએ તેની પાસે રહેલ છરી બતાવી, ધમકી આપી હતી. બાદમાં જિજ્ઞેશભાઈએ તેમના ભાગીદાર વિશાલભાઇને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા કહેલ. આશરે બપોરના એકાદ વાગ્યાના અરસામાં ગાડી અમદાવાદ શહેરના સોનીની ચાલીથી ઇન્દોર તરફ જતા રોડ ઉપર પહોંચતા ભાગીદાર વિશાલભાઇએ તેઓના કહેવા મુજબ ઢુવા, રાધે હોટલ પાછળ, માટેલ રોડ ઉપર, ઓમ ઇલેકટ્રીક સામે, તેમના કોઇ સાગરીતને રૂ.૫,૦૦,૦૦૦/- આપી ફોન કરેલ અને વેરીફાઇ કરવા માટે વીડીયોકોલથી વાતચીત કરેલ. આ લોકોને રૂપીયા મળી જતા તેઓએ જિજ્ઞેશભાઈને નારોલથી થોડે આગળ ભાવડા સર્કલ પાસે ઉતારેલ ત્યારે ઇકો ગાડીના નંબર જોતા MP-09-ZC-2778 હતા. આ માણસોએ તેઓના મોબાઇલ ફોનમાં ગુગલમેપમાં મોરબીથી એમ.પી. સુધીનો રસ્તો પણ સર્ચ કરેલ હતો. બાદમાં વિશાલ ભાઇએ મને વાત કરેલ કે, ઢુવા ખાતે ખંડણીના રૂપીયા લેવા આવનાર વ્યક્તિ મનોજ ટાપનનો ભાઇ જયંતાકુમાર હરી હર બહેરા હતો. જિજ્ઞેશભાઈએ મોરબી પહોંચી આ મામલે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે મનોજ ઉર્ફે ટાપન હરીહર બેહરા, પવન ખુમસિંગ મજરા, રાજકુમાર, જયંતાકુમાર હરીહર બહેરા અને ઇકો ગાડીનો ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ તપાસ પી.આઇ. દેકાવાડિયા ચલાવી રહ્યા છે.