રાજકોટથી કોર્ટની મુદતમાં આવી રહ્યા હતા ત્યારે બનેલી ઘટનાવાંકાનેર : રાજકોટથી વાંકનેર ખાતે કોર્ટ મુદતે આવી રહેલા રાજકોટના આસામીની બલેનો કારને વાંકાનેર તાલુકાના જોધપર નજીક ગત તા.30 જાન્યુઆરીના રોજ ડમ્પર ચાલકે ઠોકર મારતા આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહિલા કોલેજ પાછળ આવેલી સેતુબંધ સોસાયટીમાં રહેતા ફરિયાદી સંજયભાઈ મુળુભા સોલંકી ઉ.54એ ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30 જાન્યુઆરીના રોજ તેઓ તેમના મિત્ર જગદીશભાઈ, જિશાનભાઈ સાથે જીજે - 03 - એલબી - 7959 નંબરની બલેનો કાર લઈ વાંકાનેર કોર્ટની મુદતમાં આવતા હતા ત્યારે તેમનો પુત્ર દિવ્યરાજસિંહ ગાડી ચલાવતો હતો.આ સમય તેમની બલેનો કાર જોધપર નજીક પહોંચતા આગળ જતા ટ્રકની સાઈડ કાપવા જતા ડમ્પર નંબર જીજે - 13 - એએક્સ - 5990ના ચાલકે અચાનક કાવો મારી બલેનો કારને ટક્કર મારતા કાર પલ્ટી મારી ગઇ હતી.આ અકસ્માતમાં ફરિયાદીના પુત્ર દિવ્યરાજસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ફરિયાદીને મૂંઢ ઇજાઓ થઈ હતી.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સંજયભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.