મોરબી : આજરોજ તારીખ 22 જૂનના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સયુંકત ઉપક્રમે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની ચાંચાપર તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા. આ તકે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન, તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર ચાંચાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સી.એચ.ઓ. સુરભિબેન ભટ્ટાસણા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો અને અંતે શાળાના આચાર્ય પટેલ ભાવિશાબેન દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરનો આભાર વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા, પ્રા.આ.કેન્દ્ર રાજપરના આયુષ મેડિકલ ઓફિસર ડો. જયેશ રામાવત, એમ.પી.એચ.એસ, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.