છેલ્લા 58 વર્ષથી યોજાતા નાટકના કાર્યક્રમમાંથી આ વર્ષે ગાયોના નિભાવ માટે રૂ. 11,21,000નો ફાળો એકત્ર થયો મોરબી: ટંકારા તાલુકાના લજાઇ ગામે ગૌશાળાના લાભાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક નાટક 'ગૌ-આશિષ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગતરોજ, તા. 24 સપ્ટેમ્બર, 2025, બુધવારના રોજ, રાત્રે 10:00 કલાકે લજાઇ ગામના ગોંદરે યોજાયો હતો.લજાઇ ગામની ગૌશાળાની સ્થાપના વર્ષ 1967માં સોહમદત્ત બાપુ દ્વારા કરવામાં આવી હતી, અને ત્યારથી જ છેલ્લા 58 વર્ષોથી નવરાત્રીના ત્રીજા નોરતે ગૌશાળાના નિભાવના હેતુસર આ નાટકનું આયોજન કરવાની પરંપરા જળવાઈ રહી છે. આ નાટકની વિશેષતા એ છે કે તેમાં ગામના જ લોકો – જેમાં વૃદ્ધો, યુવાનો, બાળકો, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, સરકારી નોકરીયાતો અને વેપારીઓ ઉત્સાહપૂર્વક વિવિધ પાત્રો ભજવે છે. નાટક નિહાળવા માટે ગામના તમામ લોકો સાથે વતનની દીકરીઓ અને બહેનો પણ તેમના સાસરિયામાંથી ખાસ આવે છે. મુખ્ય નાટક સાથે હળવાશ માટે કોમિક નાટક પણ ભજવવામાં આવ્યું હતું.ગૌશાળામાં હાલમાં 172 જેટલી ગાયોનું પાલન-પોષણ કરવામાં આવે છે, જેના નિભાવ માટે દર મહિને આશરે ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે નાટક દ્વારા, તેમજ લજાઇ ગૌશાળા યુવક મંડળ દ્વારા ઢોલ-તાસા વગાડીને થતી આવકનો ઉપયોગ કરવામાં આવે છે. ગઈકાલે યોજાયેલા નાટકના કાર્યક્રમમાંથી ગૌશાળાને જંગી રકમ રૂ. 11,21, 000નો ફાળો એકત્ર થયો હતો. ગૌશાળાના સ્થાપક સોહમદત્ત બાપુએ સંકલ્પ લીધો હતો કે તેમની કોઈપણ ગાય કતલખાનામાં ન જાય, અને આ સંકલ્પને સાકાર કરવા તેમજ ગાયોની સેવા નિરંતર ચાલુ રહે તે માટે દર વર્ષે આ ધાર્મિક અને લોક-ઉપયોગી નાટકનું આયોજન કરવામાં આવે છે.