મોરબી: મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે કચ્છ જિલ્લામાંથી ચોરાયેલી ચાર મોટરસાયકલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા છે. આ મોટરસાયકલની અંદાજિત કિંમત રૂ.1,00,000/- છે.પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના મોટરસાયકલ લઈને શહેરમાં ફરી રહ્યો છે. જેના આધારે ભક્તિનગર સર્કલ પાસેથી રાજેશભાઈ ઉર્ફે રાજુ વિશભાઈ મકવાણા (ઉં.વ. 25, રહે. માખેલ ગામ, જિ. કચ્છ) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી GJ-12-EF-1634 નંબરનું મોટરસાયકલ મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આ મોટરસાયકલ તેણે કચ્છના મોમાઈ મોરા ગામે આવેલા મોમાઈ માતાના મંદિર પાસેથી મેળા દરમિયાન ચોરી કરી હતી.વધુ પૂછપરછમાં રાજેશભાઈએ જણાવ્યું કે તેણે અન્ય ત્રણ મોટરસાયકલ પણ કચ્છના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરીને તેના મિત્ર સંજયભાઈ ઉર્ફે ગવો મનસુખભાઈ વાઘેલા (ઉં.વ. 25, રહે. કુંભારીયા, જિ. મોરબી) ને આપ્યા હતા. પોલીસે સંજયભાઈ પાસેથી ચોરી થયેલ અન્ય ત્રણ મોટરસાયકલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.