રાજકોટ એઈમ્સના 40 જેટલા નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમ સેવા આપશે: કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સુચારુ આયોજન માટે બેઠક યોજાઈમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ આગામી 10 ઓક્ટોબર, 2026ના રોજ શનિવારે મયુર હોસ્પિટલ ખાતે સવારે 8:00 કલાકે યોજાશે.આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પના સુચારુ આયોજન અંગે કલેકટર કચેરી ખાતે કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર તથા સુવ્યવસ્થિત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ એઈમ્સના આશરે 40 જેટલા નિષ્ણાત તબીબો તથા પેરામેડિકલ ટીમ કેમ્પમાં ઉપસ્થિત રહી જરૂરી તબીબી તપાસ, નિદાન અને સારવાર કરશે.આ ઉપરાંત, લોકોને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવા માટે મોરબી જિલ્લામાં સુવ્યવસ્થિત ‘નશા મુક્તિ અભિયાન’ની ડ્રાઇવ હાથ ધરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓને જોડવા અંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ સૂચન કર્યું હતું.આ બેઠકમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. અનિલ બિશ્વાસ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રકાશ દુધરેજીયા, જિલ્લા આરોગ્ય અધિકારી પવનકુમાર શ્રીવાસ્તવ તેમજ વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને કેમ્પ અંગે માહિતગાર કરી પ્રેરિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #HealthCamp #AIIMSRajkot #MegaHealthCamp #FreeHealthCheckup #NashaMukti #MorbiNews