સ્વામી વિજ્ઞાનાનંદજીએ વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજના આર્થિક સશક્તિકરણ અને સંગઠન પર ભાર મૂક્યો: 18 થી 20 ડિસેમ્બરે મુંબઈ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જોડાવા આહ્વાન કરાયું મોરબી અપડેટ : સરસ્વતી શિશુમંદિર મોરબી ખાતે તારીખ 23 ઓગસ્ટ 2026 ના રોજ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026 અંતર્ગત ‘આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ’ વિષય પર વિશેષ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના મુખ્ય શિલ્પી સ્વામી વિજ્ઞાનાનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજના આર્થિક સશક્તિકરણ તેમજ સંગઠન અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે, વિશ્વના વિવિધ દેશોમાં વસવાટ કરતા હિન્દુઓ આજે આર્થિક અને ભૌગોલિક-રાજકીય ક્ષેત્રે સક્રિય તથા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતના સર્વાંગી આર્થિક વિકાસ તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરાના વૈશ્વિક પ્રસાર માટે હિન્દુ સમાજનું યોગદાન અનિવાર્ય છે. હિન્દુ સમાજ આર્થિક રીતે વધુ મજબૂત બને અને વૈશ્વિક સ્તરે પોતાનું નેતૃત્વ વિકસાવે તે માટે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક સક્ષમ અને પ્રભાવશાળી મંચ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ માત્ર ચર્ચા અને ચિંતનનું મંચ નથી, પરંતુ વિશ્વભરના હિન્દુઓને એકત્રિત કરી તેમના વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી તકો અને બજારો સાથે જોડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને વૈશ્વિક બજાર સુધી પહોંચ, મૂડીની ઉપલબ્ધતા, આધુનિક ટેક્નોલોજીનો સ્વીકાર, માનવ સંસાધનોનું સંકલન અને યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે વિશ્વભરના હિન્દુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પરસ્પર સહકાર અને વિશ્વાસનું નેટવર્ક ઊભું કરી એકબીજાને આગળ વધારવા આહ્વાન કર્યું હતું. આર્થિક સમૃદ્ધિનું સર્જન કરીને તેનો ઉપયોગ સમાજના વ્યાપક હિતમાં કરવામાં આવે તો સશક્ત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.આ પ્રસંગે આગામી તારીખ 18 થી 20 ડિસેમ્બર 2026 દરમિયાન મુંબઈ સ્થિત જિયો કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026 અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને મુંબઈના આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રજિસ્ટ્રેશન કરવાનું આહ્વાન કરાયું હતું. આ સંમેલન વિશ્વભરના હિન્દુ સમાજને એક મંચ પર લાવી શિક્ષણ, અર્થતંત્ર, સમાજ, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે પરસ્પર સહકાર વધારવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ બનશે.આ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. ભાડેસિયા, BAPSના હરિ સ્મરણ સ્વામીજી તેમજ મોરબીના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૈશ્વિક હિન્દુ સમાજના આર્થિક સશક્તિકરણ અને પરસ્પર સહકારના આ અભિયાનને હૃદયપૂર્વક આવકાર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક દિનેશ હરિપરા (પ્રમુખ - મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી, ઉપપ્રમુખ - મોરબી પેપરમીલ એસોસિએશન), સહ સંયોજક હસમુખભાઈ હાલપરા (ખજાનચી - મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી), સવજીભાઈ રંગપરીયા (મંત્રી - મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી), રાજેશભાઈ અરેણીયા (CA) તેમજ વિવિધ સંપર્ક જૂથના સંયોજકો, સહસંયોજકો અને વ્યવસ્થા સમિતિના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #WorldHinduCongress #WHC2026 #SwamiVigyananand #EconomicPower #GlobalLeadership #DrBhadesia #LaghuUdyogBharati #MorbiIndustry #MorbiNews #GujaratNews