B-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવા અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યુંમોરબી અપડેટ: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ સાયબર સુરક્ષાના કોઓર્ડિનેટર ડૉ. અનિલકુમાર સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી બી-ડિવિઝન પોલીસ મથક તરફથી મહેશભાઈ સોલંકી, સુરેશભાઈ ગઢાદરા, નિકેશભાઈ મંઢ અને અમિતભાઈ વિરપરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી બચવા માટેની જરૂરી સાવચેતી, ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને સોશિયલ મીડિયા તથા મોબાઈલના સુરક્ષિત ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અજાણી લિંક પર ક્લિક ન કરવા તેમજ OTP અને બેંકિંગ સંબંધિત ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ કઈ રીતે અને યોગ્ય સમયે ફરિયાદ કરવી તેની પણ સચોટ માહિતી અપાઈ હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે કોલેજના સમગ્ર સ્ટાફગણ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર સુરક્ષા અંગેની આ મહત્વપૂર્ણ માહિતી મેળવી ટેક્નોલોજીના સુરક્ષિત ઉપયોગ પ્રત્યે જાગૃત થયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #UNMehtaArtsCollege #CyberSecurity #CyberCrimeAwareness #MorbiPolice #DigitalSafety