ટંકારા: તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં ગઈકાલે તારીખ 4 માર્ચ ને શનિવારના રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રંગબહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે 4 માર્ચ ને શનિવારે સાંજે 7:30 કલાકે થી મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રંગબહારની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી બાળ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતો સંસ્કૃતિ કાર્યક્રમ રંગબહાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ તલવાર રાસ સહિતના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત લોકો સામે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ ઉપરાંત મેઘપર ઝાલા ગામના ગૌરવ એવા દેશ સેવામાં ફરજ બતાવતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમૃતિયા અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા.