નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાના ઉદ્દેશ્યથી વિદ્યાભારતી દ્વારા રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક કાર્યયોજનાનું આયોજન, સવારે 9 થી 12:30 સુધી ચાલશે કાર્યક્રમમોરબી અપડેટ: વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંલગ્ન વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત 'સંસ્કૃતિ બોધ પરિયોજના' અંતર્ગત આવતીકાલે મોરબીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શક્ત શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે.વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના માર્ગદર્શક ડૉ. કેશુભાઈ મોરસાણિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિ બોધ પરિયોજના એ રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક અને સંસ્કાર યાત્રાનું એક અભિયાન છે. આ અભિયાનનો મુખ્ય હેતુ આપણી નવી પેઢીને ભારતની સંસ્કૃતિ, જ્ઞાનપરંપરા, રાષ્ટ્રીય ચેતના અને જીવનમૂલ્યો સાથે જોડવાનો છે. સંસ્કૃતિનો બોધ એ માત્ર ભૂતકાળને જાણવાનો વિષય નથી, પરંતુ વર્તમાનને સમજવાની અને ભવિષ્યને ઘડવાની પ્રક્રિયા છે.આવતીકાલે યોજાનાર આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે મોરબીના આંગણે આવી રહ્યા છે. સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં શિશુ, બાલ, કિશોર અને તરુણ વિભાગના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ માટે પ્રશ્નમંચ, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, કથાકથન જેવી પ્રવૃત્તિઓ થશે. હસ્ત કૌશલ્યના વિકાસ માટે મૂર્તિકલાનો વિશેષ આયામ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વારસાને લેખની દ્વારા અભિવ્યક્ત કરી શોધપત્રનું વાંચન પણ કરવામાં આવશે.વર્ષ 2025-26 દરમિયાન ગુજરાત પ્રાંતમાં 36391 વિદ્યાર્થીઓ અને 1874 આચાર્યો સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જોડાયા હતા. સંસ્કૃતિ બોધ અભિયાન અંતર્ગત 837 નાગરિકો પણ આ પરીક્ષામાં સહભાગી થયા હતા. આ ઉપરાંત 15904 વિદ્યાર્થીઓ અને 1053 આચાર્યો સંસ્કૃતિ નિબંધલેખનમાં જોડાયા હતા. આ આંકડાઓ માત્ર એક સંખ્યા નથી, પરંતુ દરેક સંખ્યા પાછળ ભારતીય સંસ્કૃતિને જાણવા, વિચારવા અને તેની સાથે જોડાવાનો એક પ્રામાણિક પ્રયાસ છે.સંસ્કૃતિ મહોત્સવ એ માત્ર સ્પર્ધા નથી, પરંતુ બાળક પોતાની સંસ્કૃતિ સાથે કેટલું જોડાયેલું છે અને કેવી રીતે તેને વ્યક્ત કરે છે તેને અભિવ્યક્ત થવા માટેનો આ એક મંચ છે. સંસ્કૃતિને માત્ર સાચવવાની નથી, સમજવાની છે; માત્ર સમજવાની નથી, જીવવાની છે; અને માત્ર જીવવાની નથી, આગામી પેઢીને સોંપવાની છે. મોરબીમાં યોજાઈ રહેલા આ સાંસ્કૃતિક અભિયાનના સહભાગી બનવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SanskritiBodhPariyojana #VidyaBharati #Gujarat #SaraswatiShishuMandir #IndianCulture #Education