ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા મહિલા તથા બાળક ઘાયલ : ડમ્પર ચાલક ફરારમોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર ઘુંટુ આઈટીઆઈ નજીક કાળમુખા ડમ્પર ટ્રકના ચાલકે બાઈક ઉપર જઈ રહેલા છોટા ઉદેપુર જિલ્લાના વતની પરિવારને ટક્કર મારતા આ ગંભીર અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મૃત્યુ નીપજ્યું હતું, આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો અને મહિલા અને બાળકને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-હળવદ હાઇવે ઉપર ઘુંટુ આઈટીઆઈ નજીક બાઈક ઉપર પત્ની અને પુત્ર સાથે જઈ રહેલા ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ જીયોબાથ સેનેટરી વેર કારખાનામાં કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની રંગીતભાઇ ઉર્ફે રણજીતભાઇ કાદવાભાઇ રાઠવાને જીજે-36-વી-9144 નંબરના ડમ્પર ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં રંગીતભાઇ ઉર્ફે રણજીતભાઇ કાદવાભાઇ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી., બાદ રાજકોટ અને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.જયારે આ અકસ્માતમાં રંગીતભાઇ ઉર્ફે રણજીતભાઇ કાદવાભાઇ રાઠવાના પત્ની મંજુલાબેન અને પુત્ર વનરાજસિંહને ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ટ્રકનો ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પત્ની મંજુલાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.