મોરબી : 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આઈસીડીએસ મોરબી ઘટક-2નો ઘટક કક્ષાનો કાર્યક્રમ પોલીસ લાઈન આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો હતો. જેમાં સેજા કક્ષાએ વિજેતા થયેલ આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા તેમજ વાનગીઓનું નિદર્શન યોજાયું હતું. મોરબી ઘટક-2ના સેજા કક્ષાએ વાનગી સ્પર્ધામાં વિજેતા થયેલા કુલ 15 આંગણવાડી વર્કર બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયકો દ્વારા પ્રથમ નંબરે જીજ્ઞાબેન ઉપાધ્યાય, બીજા નંબરે નારણિયા તેજલબેન અને ત્રીજા નંબરે ત્રિવેદી દિવ્યાબેનને જાહેર કરીને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા અને જિલ્લા કક્ષાએ ઉત્સાહથી ભાગ લઈ વિજેતા થઈ આવવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું અનોખી રીતે જારના ડુંડાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોરબી ઘટક-2ના સીડીપીઓ ભાવનાબેન ચારોલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં અનિલભાઈ કોરડીયા (મદદનીશ ખેતી નિયામક મોરબી), રાહુલ કોટડીયા (તાલુકા હેલ્થ ઓફિસર મોરબી), મહિપતસિંહ ચિત્રા (ગ્રામસેવક), ભરતસિંહ ચૌહાણ (ગ્રામસેવક), નિમેશભાઈ પરમાર (ગ્રામસેવક), કૃપાલીબેન (NFSM ટેક આસિસ્ટન્ટ), કિરણબેન જાકાસણીયા (નાયબ ચીટનીશ), ક્રિષ્નાબેન પરમાર (મુખ્ય સેવિકા), રમીલાબેન ગજીયા (મુખ્ય સેવિકા) તથા મોરબી ઘટકનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ થકી દરેક વ્યક્તિઓ સુધી પોષણયુક્ત વાનગીઓ પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.