મોરબી તાલુકા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો મોરબી : માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ચોકડી નજીક ગઈકાલે એસટી બસ અને પાણીના ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરતા યુવાન સહિત દસેક લોકોને ઇજાઓ પહોંચતા આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોરે માળીયા અમદાવાદ હાઇવે ઉપર કચ્છ તરફ જતી એસટી બસ ડિવાઈડર વચ્ચે વાવેલા વૃક્ષોને પાણી પાઈ રહેલા ટેન્કર સાથે અથડાતા બસના ડ્રાઇવર સહિત દસેક મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઇજા પામેલા શિવમ હરેશભાઇ રાજગોરને બન્ને પગમાં ફ્રેક્ચર થવાની સાથે માથામાં ઇજા પહોંચતા જીજે - 18 - ઝેડ - 7515ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.