માળીયા નજીક જીએસટી ટીમે સપ્ટેમ્બર માસમાં પકડેલા ટ્રકમાંથી નમૂના લેવાયા બાદ ટ્રક ચાલક, ટ્રક માલીક, માલ મોકલનાર તથા માલ ખરીદનાર ચારેય સામે ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા તાલુકાના ખીરઈ ગામના પાટીયા પાસેથી જીએસટી વિભાગની ટીમોએ શંકાસ્પદ રાસાયણિક ખાતરનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી લઈ રાસાયણિક ખાતરને પૃથકરણ માટે મોકલ્યા બાદ આ ખાતર નિમ કોટેડ યુરિયા હોવાનું અને ખેત વપરાશને બદલે ઉદ્યોગમાં વેચાણ થયાનું બહાર આવતા માળીયા ખેતી અધિકારી દ્વારા ટ્રક ચાલક, ટ્રક માલિક, માલ વેચાણ કરનાર તથા માલ ખરીદનાર તથા તપાસમાં જેનું નામ ખુલ્લે તે તમામ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 21 સપ્ટેમ્બરના રોજ માળીયા તાલુકાના ખીરઈ ગામના પાટીયા પાસેથી જીએસટી એટલે કે રાજ્યવેરા અધિકારી દ્વારા શંકાસ્પદ રાસાયણિક ખાતર ભરેલ ટ્રક ઝડપાયેલ જે ટ્રકમાં રહેલ યુરિયા ખાતરની ચકાસણી માટે તેનું સેમ્પલ જૂનાગઢ પ્રોયોગશાળામાં મોકલવામાં આવ્યું હતું. જે પૃથ્થકરણ અહેવાલ ઉપરથી સામે આવ્યું હતું કે આ રાસાયણિક ખાતર ખેત વપરાશ માટેનું સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર છે.જેથી માળીયા(મી) ખેતી અધિકારી તરંગભાઇ અશોકભાઇ ફળદુ દ્વારા આરોપી ટ્રક ચાલક મહેશભાઈ વિરમભાઈ મેવાડા, રહે.ભરવાડવાસ, વલ્લભીપુર, ભાવનગર, ટ્રકના માલીક પદુભા રહે. ગાંધીધામ, અમદાવાદનાં શ્રીકટારીયા એન્ટરપ્રાઇઝના વેપારી તથા ગાંધીધામના શ્રી મે. બ્લુ ડાયમંડ એ ડબલ્યુના વેપારી સામે નામ જોગ તથા તપાસમાં જે ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વધુમાં ઉપરોક્ત તમામ આરોપીઓએ ખેડૂતોને આપવામાં આવતા સબસીડીવાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવા સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાને ટ્રક નં.જી.જે.-12-બી.વી.- 1636વાળીમા ભરી પરિવહન કરતા હોય જેથી આ બાબતે ખાતર નિયંત્રણ હુકમ 1985ની જોગવાઈઓના ભંગ બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારા 1985 ની કલમ 3 મુજબ ફરિયાદ નોંધાવતા હાલ માળીયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.