મોરબી : ગઈકાલે તા. 16ના રોજ લાલપર નજીક વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે જીવણભાઇ ગમારા તેનુ હીરો સ્પલેન્ડર પ્લસ જીજે.૦૩.એફસી.૫૫૧૯ લઇને લુણસરથી મોરબી જતા હતા. ત્યારે રસ્તામા લાલપર પાસે ડમ્પર-ટ્રક નંબર જીજે.૧૨.બી ડબ્લ્યુ.૭૮૩ના ચાલકે ડમ્પરને આગળ જતા જીવણભાઇના મોટર સાઇકલને હડફેટે લીધું હતું. આથી, જીવણભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેનું મોત નીપજ્યું હતું. ટ્રકચાલક ડમ્પર સ્થળ પર મુકી ભાગી ગયો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહેતા મૃતકના ભત્રીજા નારણભાઇ લધુભાઇ ગમારાએ ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપી ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.