મૃતકના ભાઈનની ફરિયાદના આધારે પતિ તેમજ સાસુ -સસરા સામે મરવા મજબૂર કર્યાનો ગુન્હો નોંધાયો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં મૃતકના ભાઈએ પતિ તેમજ સાસુ-સસરા સામે ઘરકામ, રસોઈ અને કરિયાવર બાબતે ત્રાસ આપી પોતાની બહેનને મરવા મજબૂર કરી હોવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર મેઈન રોડ ઉપર સોઓરડીના નાકે આવેલ મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતી અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા (ઉ.વ.38) નામની પરિણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતી. આ બનાબ બાદ મૃતકની ડેડબોડીને પીએમ અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન આ બનાવની જાણ થતાં મૃતકના સુરેન્દ્રનગર રહેતા પિયરજનો પણ દોડી આવ્યા હતા અને આ મામલે મૃતકના સુરેન્દ્રનગર રહેતા ભાઈ વિજયકુમાર છગનલાલ ચાવડાએ પોતાની બહેનના પતિ જીગ્નેશભાઈ ડાયાભાઈ સાગઠીયા, સસરા ડાયાભાઈ ગોરાભાઈ સાગઠીયા તેમજ સાસુ ચંન્દ્રીકાબેન ડાયાભાઈ સાગઠીયા (મોરબી નગરપાલિકાના પૂર્વપ્રમુખ) સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની બહેન અનીતાબેનને આરોપી પતિ તથા સાસુ-સસરાએ રસોઇ કામ તથા ઘરકામ તેમજ કરીયાવર બાબતે અવાર નવાર દુ:ખ ત્રાસ આપી મહેણા ટોણા મારી ફરીયાદીની બહેનને મરવા મજબુર કરતા ફરીયાદીની બહેન અનીતાબેન પોતાની સાસરીમા ગળેફાસો ખાઇ લેતા તેનું મોત થયું હતું. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇ.પી.સી. એકટની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ મોરબી સીટી બી ડીવીજનના પીએસઆઇ એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.