પ્રધાનમંત્રી ફીટ ઇન્ડિયા મુવમેન્ટના લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ દર્શાવાશે : કાર્યક્રમોની ઉજવણી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી મોરબી : મોરબી જિલ્લામાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ તેમજ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં સમગ્ર જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લે તે માટેનું સુચારુ આયોજન કરવા વિવિધ સુચનો કરી વિદ્યાર્થીઓ રમત-ગમત પ્રત્યે વધુનેવધુ આકર્ષીત થાય તેવા આયોજનો પર ભાર મુક્યો હતો. આગામી ૨૯મી ઓગસ્ટના રોજ ભારત દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના જન્મદિવસે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત રાજ્યમાં ખેલ મહાકુંભનું પણ આયોજન કરાયું છે. મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ પૂર્વે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રમતગમત પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય લોકોમાં પણ ખેલકુદ અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું કરવાનું નક્કી કરાયું છે. કલેક્ટર આર.જે. માકડીયાએ ગામડાની શાળાઓમાં ગામઠી રમતોની સ્પર્ધાનું પણ આયોજન તે અંગે શિક્ષણાધિકારીને સુચના આપી હતી. મોરબી જિલ્લા કક્ષાનો ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે ની ૨૯મી ઓગસ્ટે થનારી ઉજવણી ધી ન્યુ એરા પબ્લીક સ્કુલ, મોરબી મધ્યે તેમજ ટંકારા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ નાલંદા વિદ્યાલય, વિરપર ખાતે, મોરબીનો શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે, હળવદનો તક્ષશિલા વિદ્યાલય, માળીયાનો સત્ય સાંઇ વિદ્યાલય અને વાંકાનેરનો કે.કે. શાહ વિદ્યાલય મધ્યે કાર્યક્રમની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પ્રસંગે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવન કવન અંગે પણ માહિતગાર કરવાનું પણ આયોજન હાથ ધરાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફીટ ઇન્ડિયા મુવમેન્ટ લોન્ચીંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને દર્શાવવામાં આવે તે અંગે પણ વિસ્તૃત આયોજન કરવા વિવિધ સુચનો કરાયા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો દ્વારા ફીટનેશ પ્રતિજ્ઞા પણ લેવાશે તે અંગેની માહિતી બેઠકમાં રજૂ કરાઇ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોશી, હળવદ પ્રાંત અધિકારી એચ.જી. પટેલ, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, મોરબી પ્રાંત અધિકારી એચ.જે. ખાચર, ટંકારા પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કુ. એચ.એ. વ્યાસ, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ સહિત સબંધિત વિભાગના અધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી.