સવારે ૦૮:૩૦ કલાકે શહેરમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાશે : લોકોને જોડાવા મહાપાલિકાનો અનુરોધ મોરબી : સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા-હર ઘર સ્વચ્છતા' અભિયાન અંતર્ગત, મોરબી મહાપાલિકા દ્વારા આવતીકાલે ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શહેરમાં એક સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ પંચાસર મેઈન રોડ અને શનાળા વિસ્તારમાં યોજાશે.આ સ્વચ્છતા અભિયાનમાં સંસદસભ્યો, ધારાસભ્યો, વહીવટદાર, કમિશનર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જોડાશે. મોરબી મહાપાલિકાએ શહેરના તમામ સામાજિક, ધાર્મિક, બિન-સરકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ પહેલમાં જોડાઈને શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શહેરના સૌંદર્યમાં વધારો કરવાનો છે.