ITI ના 210 તાલીમાર્થીઓએ સેવા સંકલ્પ અભિયાનમાં ભાગ લીધો: ડિપ્લોમા પોલિટેકનિકના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવાયુંમોરબી અપડેટ: મોરબીમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનોને સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ પ્રત્યે જાગૃત કરવાના હેતુ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતી. જેના ભાગરૂપે આઈ.ટી.આઈ. (ITI) કોલેજ ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોરબીની ITI કોલેજ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 26 સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નીતિન ચનિયારા, સંસ્થાના કર્મચારીઓ અને 210 જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થીઓ દ્વારા સંસ્થાના ગાર્ડન, પાર્કિંગ અને સમગ્ર પરિસરમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત, પરિસરમાં 20 જેટલા વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી તેના નિયમિત જતન અને સંવર્ધન માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. અમિતભાઈ કાસુન્દ્રા અને સંસ્થાના વડાએ યુવાનોને સમાજ સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.બીજી તરફ, લોકશાહીના મહાપર્વમાં યુવા વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી મોરબીના ઘુંટુ રોડ સ્થિત ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવા વિદ્યાર્થીઓને પોતાના મતાધિકારનું મહત્વ, નવા મતદાર તરીકે નામ નોંધણીની સરળ પ્રક્રિયા અને દેશના સુદ્રઢ ભવિષ્યના નિર્માણમાં મતદાનની ભૂમિકા વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓએ યુવાનોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને આગામી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરી અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે પ્રેરણાત્મક અપીલ કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #ITIMorbi #SwachhataAbhiyan #TreePlantation #VoterAwareness #DiplomaPolytechnic #YouthEmpowerment