હળવદ : હળવદમાં વધતા ઓનલાઇન ફ્રોડના મામલે અંગે મૂળ હળવદના અને હાલ રાજકોટમાં નોકરી કરતા પાર્થ એ. માનસેતા દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી છે અને ફ્રોડની કોશિશ કરનાર શખ્સ સામે પગલાં ભરવા માગ કરી છે.અરજીમાં જણાવ્યું છે કે, 6 જુલાઈના રોજ ધર્મેશભાઈ ઠક્કર નામના વ્યક્તિનો તેમના માતા પર ફોન આવ્યો હતો અને તેમને એલઆઈસીના એજન્ટ તરીકેની પોતાની ઓળખ આપી હતી. આ વ્યક્તિએ ફરિયાદીના માતા પાસે ફોનમાં પાસબૂકની ડિટેઈલ, માહિતી મેળવવા અને આધાર કાર્ડ ઓટીપી મેળવવા પ્રયાસ કર્યો હતો. ફોનમાં વ્યક્તિએ બચતની થાપણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા વિગત માંગી હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ કોઈ ફ્રોડ હોવાની આશંકા લાગતાં કોઈ ડિટેઈલ આપવામાં આવી ન હતી. અને સમય રહેતા આ વ્યક્તિના સકંજામાં આવતા બચી ગયા હતા. ત્યારે અન્ય કોઈ વ્યક્તિ આવી લાલચમાં છેતરાઈ નહીં તે માટે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને વ્યક્તિને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.