મોરબી : હાલના સમયમાં જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે હોટલમાં ભોજન કરીને ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીના એલિટ સ્કુલમાં ધો. 7માં અભ્યાસ કરતા શુભ રાજાએ એક સમાજને પ્રેરણા મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલમાં દાખલ સગર્ભા મહિલાઓને પોતાના 12માં જન્મદિવસ નિમિતે અમુલ ફ્લેવર્ડ મિલ્ક વિતરણ કરી જન્મ દિવસની સેવાભાવના સાથે ઉજવણી કરી હતી. પોતાના જન્મ દિવસે શુભ રાજાએ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ 60 જેટલી સગર્ભા મહિલાઓને અને બાળકોને અમુલ ફ્લેવર્ડ મિલ્કની બોટલ આપી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો તેમજ સગર્ભા મહિલાઓના આર્શિવાદ મેળવ્યા હતા. શુભને આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની પ્રેરણા તેના માતા હેતલબેન અને પિતા રવિભાઈ તરફથી મળતી રહે છે. જેઓ બંને શિક્ષકો છે. નોંધનિય છે કે, શુભ રાજા દ્વારા તેના માતા- પિતા અને ફઈ દીપબેનના માર્ગદર્શન અને સહયોગથી સન્ડે સર્વિસ નામની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ત્યાં જઈને સિઝનલ ફળો, ચોકલેટ તેમજ કપડાંનું વિતરણનું કાર્ય પણ છે. નાની ઉંમરમાં જ સમાજ સેવાના કાર્ય કરવા માટેનું શુભ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.