અંદાજે 40થી 50 વર્ષની વ્યક્તિને બોથડ પદાર્થના ઘા ઝીકી મોઢે કપડા બાંધી સળગાવી દેવાયો મોરબી : મોરબીના આમરણ નજીક કેરાળી ગામના પાટિયા પાસેથી અજાણ્યા યુવાનનો સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળવા મામલે મોરબી તાલુકા પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોંધી મૃતકની ઓળખ મેળવવાની સાથે હત્યારાઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના આમરણ નજીક કેરાળી ગામના પાટિયા પાસેથી અંદાજે 40થી 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. જો કે આ કિસ્સામાં શંકાસ્પદ મૃત્યુ જણાતા રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા મૃતકને બોથડ અને તીક્ષ્ણ હથિયાર ઝીકી પતાવી દઈ મોઢા ઉપર કપડું બાંધી સળગાવી દીધાનું ખુલ્યું હતું. જો કે હાલમાં મૃતકની ઓળખ થઈ નથી. આ ભેદભરમ વાળા કેસમાં હાલમાં મોરબી તાલુકા પોલીસે અજાણ્યા યુવાનને મોતને ઘાટ ઉતારી સળગાવી દેનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઇપીસી કલમ 302, 201 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.