હળવદ પોલીસે પત્નીની ફરિયાદને આધારે ફરિયાદ નોંધીહળવદ : હળવદ તાલુકાના ટિકર રણની ઢસી નજીક લગ્નમાં જવા મામલે દંપતી વચ્ચે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પાસેથી બાળકને છીનવી લઈ બાદમાં ખેતરમાં બાળકને ઉલાળી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દેતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા બનાવ અંગે પત્નીની ફરિયાદને આધારે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર રણની ઢસી વિસ્તારમાં રહેતા મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના વતની અસગરભાઈ અનવરભાઈ માણેક અને તેમના પત્ની અમીનાબેન અસગરભાઈ માણેક વચ્ચે લગ્નમાં કોઈની સાથે બેસવાનું નથી તેવું કહી ઝઘડો કરી મૂંઢ માર માર્યા બાદ અમીનાબેન તેમના પુત્રને લઈને પિયરમાં ચાલ્યા જવાની વાત કરતા બોલા ચાલી થઈ હતી. બોલા ચાલી બાદ અમીનાબેનના હાથમાં રહેલ દોઢ વર્ષનું બાળક લઈને અસગરભાઈ ભાગ્યો હતો અને બાળકનો પાછળ ખેતરમાં જવાના રસ્તે ઘા કરતા બાળકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ બાદ અમીનાબેનની ફરિયાદને આધારે તેણીના પતિ વિરુદ્ધ બાળકનું મૃત્યુ નિપજવવા મામલે ફરિયાદ નોંધી હતી.