રાજસ્થાનના હોટલ સંચાલકને નકલી સોનાનો હાર આપી પાંચ લાખ લઈ ગયા, ત્રણ વિરુદ્ધ ફરિયાદહળવદ : હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર હોટલ ધરાવતા રાજસ્થાની વેપારીને રેલવેના ખોદકામ દરમિયાન જુના ચાંદીના સિક્કા તેમજ સોનાનો એક કિલો વજનનો હાર મળ્યો હોય જે સસ્તા ભાવે આપી દેવાની લાલચ આપી ત્રણ શખ્સોએ નકલી સોનાનો હાર ધાબડી દઈ રૂપિયા પાંચ લાખ લઈ ફરાર થઇ જતા છેતરપિંડીના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ - ધ્રાંગધ્રા રોડ પર સુખપર નજીક આવેલ શ્રીરામ હોટલ પાસે ચા-પાનની દુકાન ધરાવતા મુળ રાજસ્થાન વતની સવાઇરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય ઉ.25 નામના વેપારીએ હળવદ પોલીસ મથકમાં આરોપી વિજય સોમાભાઈ ભાલીયા રહે.રાણપુર તેમજ તેની સાથે આવેલ બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ તેમને રેલવેના ખોદકામ દરમિયાન 3 કિલોગ્રામ ચાંદીના સિક્કા તેમજ એક કિલોગ્રામનો સોનાનો હાર મળ્યો હોય જે 40 ટકા કિંમતના આપી દેવાનું જણાવી રૂપિયા 5 લાખ લઈ જઈ બદલામાં નકલી સોનાનો હાર ધાબડી દીધી હતો.બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.