આમરણની વિવેકાનંદ સ્કુલના વિદ્યાર્થીઓ રણમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ટાયર નીકળી જતા બસ રોડ નીચે ઉતરી પોલ સાથે અથડાઈહળવદ : હળવદ તાલુકાના ઘણાદ અને રણમલપુર વચ્ચે આજે સવારના દસેક વાગ્યાની આસપાસ મોરબીના આમરણથી પ્રવાસમાં આવેલ સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી છે. અને તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને હેમખેમ બસમાંથી બહાર કઢાવ્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ વિવેકાનંદ સ્કૂલના ધોરણ 9 અને ધોરણ 11 ના 47 વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકોને એક ડ્રાઇવર મળી કુલ 52 વ્યક્તિઓ હળવદના રણમાં આવ્યા હતા. આજે પ્રવાસ પૂર્ણ કરી પરત આમરણ જઈ રહ્યા હતા ત્યારે હળવદના રણમલપુર અને ઘણાદ જ વચ્ચે ઓચિંતા બસનું ટાયર નીકળી જતા આ સ્કૂલ બસ રોડ હેઠે ઉતરી ઉતરીને વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે બસ વીજ પોલના સપોર્ટથી પલટી ખાતા રહી ગઈ હતી. પરંતુ વીજ પોલ પર પસાર થઈ રહેલ તાર પણ જીવંત હોય જેથી મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. સાથે જ બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને હેમખેમ સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા.