વારંવાર દબાણો થઈ જતા હોવાથી હવે પાલિકા પેટ્રોલીંગ કરી ડીમોલેશનની સાથે હવે જપ્તીની પણ કાર્યવાહી કરશે : ચીફ ઓફિસર મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજે જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે અગાઉ 84 જેટલા દબાણકારોને તંત્રએ નોટિસ આપતા અમૂકે દબાણ હટાવી લેતા બાકીના દબાણો પર આજે પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને મચ્છીપીઠમાં ગેરકાયદે ખડકાયેલા કાચા પાકા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. મોરબી નગરપાલિકા દ્વારા અગાઉ જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં ગેરકાયદે ખડકાયેલા છાપરા, ઓટલા સહિતના કાચા પાકા 84 જેટલા દબાણો કરનાર આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આથી અમુક દબાણો સ્વેચ્છાએ હટી ગયા હતા. બાકીના મોટાભાગના દબાણો ન હટતા આજે શનિવારે મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકાના વહીવટીદાર એન. કે. મુછાર, ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય, પ્રાંત અધિકારી ઝાલા, એ ડિવિઝન પીઆઇ હુકુમતસિંહ જાડેજા સાહિતના સ્ટાફ દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મચ્છીપીઠ વિસ્તારમાં ખડકાયેલા 84 જેટલા કાચા પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.તેમજ અહીંયા એસટી સહિતનો વાહન વ્યવહાર પૂર્વવર્ત થાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંયા અવારનવાર દબાણો દૂર કર્યા બાદ ખડકાય જતા હોવાથી પાલિકા દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. આ અંગે ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે, ગત શનિવારથી પાલિકા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને ગાંધીચોકથી શનાળા બાયપાસ ઉપર દબાણો દૂર કર્યા બાદ ફરી ત્યાં ખડકાય જતા હવે ડીમોલેશનની સાથે લારી ગલ્લા સહિતના દબાણોની જપ્તી પણ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં દબાણો દૂર કરવામાં આવે પછી થોડા સમય બાદ ફરી ત્યાંજ દબાણો થઈ જતા હોય એનો કાયમી ઉકેલ માટે પાલિકા હવે પેટ્રોલીંગ ગોઠવશે અને કડક કાર્યવાહી કરશે. આજે મચ્છીપીઠમાં દબાણો દૂર કર્યા બાદ હવે નહેરુ ગેઇટ વિસ્તારમાં અને રવાપર રોડ ઉપર પણ દબાણો દૂર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.