બહારથી મહિલાઓ બોલાવી બોડી મસાજના નામે ગ્રાહકોને રૂ.2 હજારમાં શરીર સુખ અપાતું હોવાનું ખુલ્યું : એક સંચાલકની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે સ્પર્શ સ્પા એન્ડ સલુનમાં બોડી મસાજમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટે દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લાના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને બાતમી મળેલ હતી કે નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ સ્પર્શ સ્પા એન્ડ સલુન મસાજના માલિક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી તથા અન્ય લોકો સાથે મળી સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી ગ્રાહકોને બોડી મસાજના ઓઠાતળે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે. જેના આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક વિરૂધ્ધ ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પોલીસે અરવિંદભાઇ વશરામભાઈ દેગડા હાલ રહે વાંકાનેર, નવાપરા પંચાસર રોડ, વીધાતા સીરામીક સામે, મુળ રહે ખીજડીયાવાળાની ધરપકડ કરી છે. જ્યારે રવિન્દ્રભાઇ નવીનચંદ્ર સોલંકી રહે વાંકાનેર, સોની શેરી, દરબારગઢ રોડ, તા.વાંકાનેરવાળાનું નામ ખુલતા તેની શોધખોળ ચલાવી છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સ્પામાં આરોપીઓ ગ્રાહકો પાસેથી શરીર સુખ માટે ગ્રાહકો દીઠ રૂપિયા ૨૦૦૦/- અલગ થી વસુલી લઇ પોતાના સ્પામાં બોડી મસાજની આડમાં કુટણખાનું ચલાવતા હતા. આ કામગીરીમાં પીઆઇ એમ.બી. મિસ્ત્રી, એ.એસ.આઇ. ફુલીબેન ઠાકોર, હેડ કોન્સ. નંદલાલ ડી. વરમોરા, અરવિંદસિંહ દિલુભા પરમાર તથા બકુલભાઇ કે. કાસુન્દ્રા રોકાયેલ હતા.