મોરબી : રક્ષાબંધન ઉપર મોદી સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે. સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને 200 રૂપિયાનો વધારાનો લાભ મળશે. તેઓ પહેલેથી જ સબસિડી તરીકે 200 રૂપિયા મેળવી રહ્યા છે. આ રીતે હવે તેના ખાતામાં 400 રૂપિયાની સબસિડી આવશે. હાલમાં દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1,103 રૂપિયા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં 400 રૂપિયા આવશે. એટલે કે તેમને સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવવા પડશે. સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા હશે. ઘટાડેલી કિંમત આજથી જ લાગુ થશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી. તેમણે કહ્યું હતું કે, 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શન મેળવ્યા બાદ આ શ્રેણીના કુલ ગ્રાહકોની સંખ્યા 10 કરોડ 35 લાખ થશે. ઠાકુરે કહ્યું હતું કે, એપ્રિલ 2020 થી એપ્રિલ 2022 સુધીમાં સમગ્ર વિશ્વમાં એલપીજીની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે. પરંતુ ભારતમાં તેની કિંમત માત્ર 35 ટકા વધી છે. આ નિર્ણયથી 33 કરોડ LPG ગ્રાહકોને ફાયદો થશે. આ નિર્ણયને કોઈપણ ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ નિર્ણય આજથી જ લાગુ કરવામાં આવશે. તેનાથી આ નાણાકીય વર્ષમાં 7,680 કરોડ રૂપિયાનો બોજ પડશે.