પોલીસે બે આરોપીઓને રૂ. 4.09 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા, મુખ્ય સપ્લાયર લીલાપરના શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધાયોવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર સિટી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી તાલુકાના રાતીદેવડી રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી બોલેરો પીકઅપ ગાડી અટકાવી તલાશી લેતા બોલેરોમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સિટી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે GJ-03-BV-0042 નંબરની સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં દેશી દારૂનો જથ્થો વાંકાનેર જડેશ્વર રોડથી લીલાપર, મોરબી તરફ જઈ રહ્યો છે. જેને પગલે પોલીસે જડેશ્વર રોડ પાસે વોચ ગોઠવી હસનપર બ્રિજ તરફથી આવતા શંકાસ્પદ બોલેરોને અટકાવી હતી.ગાડીમાં તપાસ કરતા પાછળના ડાલામાં 16 પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા, જેમાં દરેક બાચકામાં 5 લીટરની 5 કોથળીઓ ભરેલી હતી. આમ કુલ 400 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 80,000) મળી આવ્યો હતો.પોલીસે દેશી દારૂની હેરફેર મામલે બોલેરો ગાડીના ચાલક આરોપી નીતિનભાઈ ધીરુભાઈ અગેચાણીયા (ઉ.વ. 22, રહે. લીલાપર પ્રકાશનગર સોસાયટી, મોરબી અને તેની સાથે બેઠેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લીધા હતા. દેશી દારૂનો આ જથ્થો લીલાપરના નવઘણભાઈ જેઠાભાઈ દેગામાએ ઝીંઝુડા ગામેથી મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે 400 લીટર દેશી દારૂ તેમજ રૂ. 3 લાખની બોલેરો ગાડી અને બે મોબાઈલ ફોન કિંમત રૂ. 29,000 મળીને કુલ રૂ. 4,09,000 નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.#MorbiUpdate #WankanerPolice #LiquorRaid #DeshiDaru #CrimeNews #MorbiNews #Morbi