લોકો 8થી લઈને 20 કિમીનું ચક્કર મારવા મજબુર મોરબી : મોરબીના ગાળા ગામ નજીક જર્જરિત પુલ બંધ કરાયા બાદ કામચલાઉ રસ્તો પણ પાણીમાં ડૂબી જતાં લોકો 8 થી લઈને 20 કિમિ સુધીનું ચકકર મારવા મજબુર બન્યા છે. ગ્રામજનોએ આ હાલાકી દૂર કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના ગાળા નજીક આવેલો પુલ ઘણા સમયથી જર્જરિત હોવાથી તેને બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ત્યાં નજીકમાં જ કામચલાઉ રસ્તો કાઢવામાં આવ્યો હોય, પણ ભારે વરસાદના કારણે પાણીમાં આ રસ્તો ડૂબી ગયો હોય તે પણ બંધ થઈ ગયો છે. પરિણામે ગાળા ગામથી જેતપર, અણીયારી, વાઘપર સહિતના 25 ગામોમાં જવા 8થી 20 કિમિનું રાઉન્ડ મારવું પડે છે. આ અંગે સરપંચ મનસુખભાઇ કુંડારીયાએ જણાવ્યું કે વહેલી તકે આ રસ્તાનું કામ થાય તેવી તંત્ર સમક્ષ અપેક્ષા રાખી રહ્યા છીએ. આ અંગે બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ કહ્યું કે, પાણી ઉતરતા રસ્તો તાત્કાલિક શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.