જાંબુડિયા ઓવરબ્રિજ નજીક આગળ જતા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ડમ્પરે કરુણાંતિકા સર્જી મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર પુરપાટ ઝડપે દોડતા કાળમુખા ડમ્પરે ગઈકાલે વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો જેમાં જાંબુડિયા ઓવરબ્રિજ નજીક આગળ જતા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ પાછળ રહેલી ઇનોવા અને અલ્ટ્રોઝ કારને ફંગોળી દઈ ડમ્પર ચાલકે અકસ્માત બાદ રોડ ઉપર પડેલા બાઈક ચાલક ઉપર તોતિંગ ટાયર ફેરવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.આ વિચિત્ર અકસ્માતના બનાવ અંગે ભડીયાદ રોડ ઉપર રહેતા રવિભાઇ દેવસીભાઇ પરમાર નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે પોણા નવેક વાગ્યાના અરસામાં તેમના મોટાભાઈ મહેશભાઇ દેવશીભાઇ પરમાર ઉ.39 પોતાનું બાઈક નંબર GJ-13-BC-6001 લઈને મોરબી - વાંકાનેર હાઇવે ઉપર જતા હતા ત્યારે આગળ જતા જાંબુડિયા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે તેમનું બાઈક અડી જતા અકસ્માત સર્જાયો હતો. બરાબર આ જ સમયે પાછળ આવતી ઇનોવા કારના ચાલક વિવેકભાઇ જયંતીભાઇ ગઢીયાએ કારને બ્રેક મારતા તેમની પાછળ આવતી અલ્ટ્રોઝ કારના ચાલક રવિભાઇ નરભેરામભાઇ કૈલાએ પણ બ્રેક લગાવી હતી. જો કે, આ બન્ને કારની પાછળ પુરપાટ ઝડપે આવતા ડમ્પર ટ્રક નં.-GJ-12-BX-5844ના ચાલકે બ્રેક ન લગાવતા બન્ને કારને ફંગોળી દઈ બાદમાં ડમ્પર ટ્રકના ચાલકે મહેશભાઇ દેવશીભાઇ પરમારને રોડ ઉપર ચગદી નાખ્યા હતા અને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એક સાથે ત્રણ ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ટ્રક નં.-GJ-12-BX-5844ના ચાલક વિરુદ્ધ રવિભાઇ દેવસીભાઇ પરમારની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.