કોન્ક્રીટના જંગલ વચ્ચે મોરબી શહેરની ભાગોળે મહેશભાઈની આદર્શ સજીવ ખેતી નિહાળવા આવતા અનેક મુલાકાતીઓ મોરબી : રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગ અને જંતુનાશક દવાના અતિક્રમણ વચ્ચે આજે દહાડે દિવસે ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે અને કૃષિ પેદાશ ઝેર સમાન બની રહી છે ત્યારે મોરબી શહેરમાં કોન્ક્રીન્ટના જંગલ નજીક માત્ર પાંચ વિધા ખેતીની જમીન ઉપર ગાય આધારિત સજીવ ખેતી કરી મોરબીના મહેશભાઈ ભોરણીયા અને તેમનો પરિવાર સાદગીભર્યું જીવન જીવી અન્ય લોકો માટે અમૃત સમાન શાકભાજી, અનાજ, કઠોળ અને ઔષધીય પાકો ઉત્પાદન કરી રહ્યા છે. ગૌમાતાના કામધેનુ સ્વરૂપને ઓળખી મોરબીના મહેશભાઈ ભોરણીયા હકીકતમાં આપણી ભારતીય સંસ્કૃતિ તેમજ વેદ આધારિત ખેતી કરી પોતાની પાંચ વિઘા જમીન પરિસરને ભારતીય પરંપરા મુજબ ઢાળ્યું છે.મહેશભાઈના આ પવિત્ર પરીસરમાં ગાયના રહેવા માટે આર્ય ગૌશાળા છે. જેમાં 2 ગાય આરામથી રહી શકે તેમજ અંદર જ પાણી પીવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે મહેશભાઈ ભોરણીયા પોતાની ગૌમાતા આધારિત સજીવ ખેતી અંગે કહે છે કે, તેઓએ ગાયના ગોબરમાંથી ક્રાંતિકારી રાજીવભાઈ દીક્ષિતના નામે એક ગોબરગેસ પ્લાન્ટ બનાવેલ છે જેમાં ગાયનું છાણ નાખીને દરરોજ 2 પરિવારને પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત વધારાના ગોબર ગેસ પ્લાન્ટમાથી નીકળતા અત્યંત ઉપયોગી દ્રવ્યનો તેઓ પાણી સાથે પોતાના પાકને ખાતર તરીકે આપી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેશભાઈ પ્રાકૃતિક ગૌમાતા આધારિત ખેતીના ફાયદા વર્ણવતા ઉમેરે છે કે, પોતાને તેમજ પરિવારને સંપૂર્ણ શુદ્ધ તેમજ કેમિકલ વગર તમામ પ્રકારના શાકભાજી કે ફળ ખાવા મળે તે માટે તેઓએ પોતાની જમીનમાં જામફળ, કેરી, ચીકુ, દાડમ, સેતુર, રાયણ જેવા અનેક ફળાવ વૃક્ષની સાથે એલોવેરા, પથ્થરફૂટી, બીજોરું, ગળો જેવી ઔષધિઓનું પણ વાવેતર કર્યું છે. ઉપરાંત તમામ પ્રકારના શાકભાજી પણ વાવેલા છે જેથી તેઓ પરંપરાગત અનાજ, કઠોળ, તલ, મગ, જેવા કૃષિ પાકોની સાથે ઓર્ગેનિક શાકભાજીનો પોતાના ખોરાક માં ઉપયોગ કરી શકે છે અને સજીવ ખેતીથી ઉત્પાદિત થતી કૃષિ પેદાશનું સામાન્ય કૃષિ ઉત્પાદનની તુલનાએ સારા ભાવથી વેચાણ થતું હોય તેમનો પરિવાર પાંચ વિઘા જમીન ઉપર ખેતી કરીને પણ વટ ભેર જીવન નિર્વાહ કરી શકે તેમ હોવાનું અંતમાં જણાવી મહેશભાઈ ભોરણીયાએ અન્ય ખેડૂતમિત્રોને પણ સજીવ અને ગૌમાતા આધારિત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.