વાંકાનેર : શ્રાવણ માસમાં શિવભક્તિનો અનેરો મહિમા રહેલો છે ત્યારે વાંકાનેર શહેરમાં આવેલા દેવ દેવેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 300 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. વાંકાનેર શહેરમાં આવેલી ભાટિયા સોસાયટીમાં પાછળના ભાગે બિરાજમાન શ્રી દેવ દેવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું રાજાશાહી વખતનું છે. આ મંદિરનું નવું બાંધકામ વર્ષ 2004માં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દેવ દેવેશ્વર મહાદેવ તેમ બે સ્વયંભૂ શિવલિંગ છે. આ બંને શિવલિંગ સ્વયંભૂ છે. વાંકાનેર તાલુકામાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર જેટલું જ આ મંદિર જૂનું છે. આ મંદિરમાં શ્રી ખંભલાય માતાજી બિરાજમાન છે અને આ માતાજી એક વાવમાં બિરાજમાન છે. વાવની બાજુમાં એક કૂવો છે કૂવામાં નાગ-નાગણીનું એક જોડલું પણ રહે છે. આ મંદિરના મહંત હરેશભાઈ અગ્રવાતના કહેવા પ્રમાણે બે દિવસ પહેલાં જ નાગપાંચમના દિવસે નાગદેવતાએ દર્શન આપ્યા હતા અને જે મંદિરમાં વડલો છે એની પ્રદક્ષિણા કરીને પાછા વાવમાં જતા રહ્યા હતા. આ મંદિરમાં એક શીતળા માતાનું મંદિર પણ છે અને એક શ્રી હનુમાનજી દાદાનું પણ મંદિર છે.