13 વર્ષ જૂની હળવદ-સરતાનપર લાઈનનો તાર ખેતીની ચાલુ વીજ લાઈન પર પડતા 50 જેટલી મોટરો અને સ્ટાર્ટર બળીને ખાખસદનસીબે મોટી જાનહાનિ ટળી: ખેડૂતોનું વળતર બાકી હોવા છતાં જીવના જોખમે લાઈન યથાવત હોવાથી તાત્કાલિક લાઈન હટાવવા ઉગ્ર માંગહળવદ (મોરબી અપડેટ) : હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં પસાર થતી 220 KV હળવદ-સરતાનપર જેટકો (GETCO) લાઈનનો હેવી વીજતાર અચાનક તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. આ હાઈવોલ્ટેજ તાર ખેડૂતોની 3 જેટલી ચાલુ વીજ લાઈનો પર પડતા મોટો શોર્ટ સર્કિટ સર્જાયો હતો, જેના કારણે ખેતરોમાં રહેલા વીજ બોર્ડ, સ્ટાર્ટર અને આશરે 50 જેટલી પાણીની મોટરો બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.ખેડૂતો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે ખેતરમાં ખેતમજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આ વિશાળકાય તાર તૂટીને નીચે પડ્યો હતો. તાર પડતાની સાથે જ કામ કરતા મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ખેતમજૂરોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ જીવલેણ અકસ્માતનો ભય ફેલાયો હતો. હેવી તાર પડવાથી વીજ ઉપકરણોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આ લાઈન 13 વર્ષ જૂની છે. વર્ષો વીતવા છતાં હજુ સુધી ખેડૂતોને આ લાઈન પસાર કરવા અંગેનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. એક તરફ વળતર બાકી છે અને બીજી તરફ આવી ગંભીર બેદરકારીના કારણે ખેડૂતો અને મજૂરોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓને વળતરના રૂપિયા જોઈતા નથી, પરંતુ જીવના જોખમ સમાન આ જૂની લાઈન તાત્કાલિક ધોરણે ખેતરોમાંથી કાયમી માટે દૂર કરવામાં આવે.જો તંત્ર દ્વારા સત્વરે આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Sarambhada #GETCO #FarmersIssue #AgricultureNews #GujaratFarmers #PowerLineDanger #FarmersProtest