બાળક મટન વેચતો હોય ત્યાં શખ્સ મટન ખરીદવા અર્થે ગયો હતો, મોડું થવા બાબતે ઝઘડો થતા શખ્સે બાળકને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો 'તો મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં 15 વર્ષના બાળકની થયેલી હત્યાનો ભેદ મોરબી એલસીબીએ ઉકેલીને આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે. આ આરોપી બાળક પાસે મટન ખરીદવા માટે ગયો હતો. ત્યારે મોડું થવા બાબતે આરોપીએ ઉશ્કેરાઈ જઈને બાળકને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી - જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં છાપરું બનાવીને ત્યાં મટન વેંચતા સીદીક અબ્બાસભાઈ મોવર ઉ.વ. 15ની કોઈ અજાણ્યા માણસે તા. 26ના રોજ માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા નિપજાવી હતી. આ અંગે એલસીબીએ તપાસ આદરી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે ઇન્ડિકા ઓનેસ્ટ સેનેટરીવેર કારખાનાની મજૂરની ઓરડીમાં રહેતા વિજેન્દ્રસિંઘ રાજપૂતને મૃતક બાળક સાથે ઝઘડો થયેલ હોય બાદમાં તે પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે જતો રહેલ છે. બાદમાં એલસીબીની ટીમે મધ્યપ્રદેશ જઈને વિજેન્દ્રસિંઘ રાજપૂતને પકડી પાડી મોરબી લાવીને પૂછપરછ આદરી હતી. જેમાં તેને કબૂલાત આપી હતી કે મૃતક બાળક પાસે તે મટન લેવા ગયો હતો. ત્યારે બાળકે મુરઘી હમણાં આવે છે તેમ કહીને એક કલાક સુધી બેસાડી રાખ્યો હતો. જેથી બોલાચાલી થતા મૃતક બાળકે ગાળો આપી હતી. તેથી ઉશ્કેરાઇ જઈને આરોપીએ આ બાળકની પથ્થર મારીને હત્યા કરી નાખી હતી.