મોરબી: મોરબીની GMERS જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ એક જટિલ સર્જરી કરીને 14 વર્ષના યુવાન દર્દીને છેલ્લા બે વર્ષથી સતાવી રહેલા પેટના દુઃખાવામાંથી કાયમી રાહત આપી છે. છેલ્લા બે વર્ષથી સતત પેટના દુઃખાવાની તકલીફ અનુભવતા આ યુવાન દર્દીને તારીખ 30-10-2025ના રોજ GMERS જનરલ હોસ્પિટલ મોરબીના સર્જરી ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર વિમલ દેત્રોજાને બતાવવામાં આવ્યો હતો. ડૉ. વિમલ દેત્રોજાએ જરૂરી તપાસ અને રિપોર્ટ્સ કરાવતાં દર્દીને Right Kidney Staghorn Calculous (જમણી કિડનીમાં મોટી અણીદાર પથરી) હોવાનું નિદાન થયું હતું.ડૉક્ટરની સલાહ મુજબ દર્દી પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તારીખ 01-11-2025ના રોજ, GMERS જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજાવતા સર્જરી ટીમના ડૉક્ટર વિમલ દેત્રોજા, ડૉક્ટર ચિરાગ પનારા, ડૉક્ટર ધવલ રૈયાણી અને એનેસ્થેસિયા ડૉક્ટર હાર્દિક કાવર દ્વારા આ જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ટીમે સફળતાપૂર્વક લેપ્રોસ્કોપિક સર્જરી (Laparoscopic Pyelolithotomy) દ્વારા 3.3 સેન્ટીમીટરની મોટી પથરીને બહાર કાઢી હતી.ઓપરેશન બાદ દર્દીની શારીરિક સ્થિતિમાં ઝડપથી સુધારો થતાં તેને તારીખ 06-11-2025ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. દર્દી અને તેના પરિવારે આ જટિલ ઓપરેશનને સફળ બનાવવા બદલ તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.