મોરબી: ટંકારાના જીવાપર ગામ નજીક એક વાડીના કૂવામાં પડી જતા 12 વર્ષીય પરપ્રાંતિય કિશોરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ફાયરની ટીમે આ મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો છે. ટંકારા તાલુકાના જીવાપર ગામ નજીક ડગરપાર્ટ વાડી વિસ્તારમાંથી એક બાળક કૂવામાં પડી ગયો હોવાનો રેસ્ક્યૂ કોલ ફાયર વિભાગને મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત શરૂ કરી હતી. આશરે એક કલાકની સઘન મહેનત બાદ ફાયર ટીમ અને ગ્રામજનોને 60 ફૂટ ઊંડા કૂવામાંથી 12 વર્ષીય જયદીપ મહેશ ભાભોર (મૂળ રાસવા જિલ્લો દાહોદ)નો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને જરૂરી કાર્યવાહી અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.