નગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ પહેલા ઉમિયા સર્કલ પાસે તિરંગો લહેરાવવા ચાલતી તડામાર તૈયારી મોરબી : આગામી 15 ઓગસ્ટના રોજ દેશને આઝાદી 75 વર્ષ પુરા થનાર હોય આ રાષ્ટીય પર્વને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દરેક લોકોમાં રાષ્ટ્રીયતાની ચેતના જાગે તે માટે હર ઘર તીરંગા યોજના અમલમાં મૂકી છે ત્યારે દરેક જગ્યાએ 15 ઓગસ્ટ પહેલા રાષ્ટ્રધ્વજ લગાવીને દેશપ્રેમની ઐતિહાસિક ક્ષણનું સર્જન કરશે.ત્યારે મોરબી પાલિકા દ્વારા પણ વિશેષ રીતે શહેરમાં કાયમી તિરંગો લહેરાય તે માટે ઉમિયા સર્કલે 108 ફૂટ ઉંચાઈ ઉપર વિશાળ રાષ્ટ્રધ્વજ ફરકાવવા તડામાર તૈયારી શરૂ કરી છે. મોરબીમાં હર ઘર તીરંગા યોજના હેઠળ દરેક લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન ઉમિયા સર્કલ પાસે 108 ફૂટ ઉંચા પોલ ઉપર 20 બાય 30 ફૂટ સાઇઝનો વિશાળ રાષ્ટ્રધ્વજ કાયમી રીતે ફરકાવામાં આવશે.15 ઓગસ્ટ પહેલા અથવા 15 ઓગસ્ટના દિવસે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે સાથે જ નયનરમ્ય લાઇટિંગ પણ કરાશે. હાલ ઉંચો પોલ બનાવવાનું અને રાષ્ટ્રધ્વજ બનાવાનું કામ ચાલુ હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું