વાંકાનેર : આજે તા. 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર ડે છે. ત્યારે અબોલ જીવના કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેર તાલુકાના સધારકા ગામના એક ખેડૂતની ભેંસને આગળના બન્ને પગ વચ્ચે એક મોટી કેન્સરની ગાંઠ થઈ હતી. પશુ ડોક્ટરએ ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી આપી છે. આ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સધારકા ગામના ખેડૂત શેરસીયા મુસ્તુફા હાજીભાઇની ભેંસને આગળના બંને પગ વચ્ચે એક આશરે ૧૦ કિલો જેવડી કેન્સરની ગાંઠ થઈ હતી. જેથી, આ ભેંસને ચાલવામાં અને બેસવામાં ગાંઠ ખૂબ નડતરરૂપ થતી હતી. ત્યારે આ ખેડૂતે સિંધાવદર ગામના રહેવાસી વેટરનરી ઓફિસર (પશુ ડોક્ટર) શબ્બીર શેરસિયાનો સંપર્ક કરીને ભેંસની તપાસ કરાવડાવી હતી. વેટરનરી ઓફિસર સબીર શેરશિયાએ ભેંસને તપાસતા આ કેન્સરની ગાંઠનું ઓપરેશન કરવું પડશે તેવું જણાવ્યુ હતું. ડોક્ટરના નિદાન સાથે ભેંસના માલિક સહમત થતા ગઈકાલે એટલે કે વર્લ્ડ કેન્સર ડેના આગલા દિવસે આ ભેંસને થયેલી કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન કરીને આશરે ૧૦ કિલોની ગાંઠ કાઢી હતી. આ ઓપરેશન સફળ થતાં ખેડૂતોની ખૂબ કીમતી ભેંસ હવે સારી થઈ જશે. ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરતાં ખેડૂતના ચહેરા પર ખુશી જોકે મળી હતી અને તેઓએ પશુ ડોક્ટરનો આભાર માન્યો હતો.