મોરબી : મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા ભૂમિહીન અને ઘરવિહોણા ગરીબ પછાત અનુસૂચિત જાતિના ૯૦ જેટલા લોકોને રહેણાકના હેતુ માટે સનદ આપવા અંગે મોરબી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સત્વરે સનદ નહીં અપાય તો તેઓ કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવા મજબૂર બનશે.રોહિદાસપરા (રેલ્વે સ્ટેશનની પાછળ) વિસ્તારના રહીશ દલસુખભાઈ મુળજીભાઈ ચૌહાણ દ્વારા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવાયું છે કે, અગાઉ આ જ વિસ્તારના અનુસૂચિત જાતિના કુલ ૧૧૭ લોકોને રહેણાકના હેતુ માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમો મુજબ મુખ્યમંત્રીના હસ્તે સનદ હુકમ આપવામાં આવ્યા હતા. પરંતુ આ વિસ્તારના અન્ય ૯૦ હકદાર લોકોને હજુ સુધી સનદ મળેલ નથી. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષથી તંત્રને અનેકવાર રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આવેદનમાં તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કરતા જણાવાયું છે કે, કલેક્ટર કચેરીની જમન-૧ શાખાના અધિકારીઓ અને ક્લાર્ક માત્ર કાગળનો નિકાલ કરવા માટે અરજી મહાનગરપાલિકાને ફોરવર્ડ કરી દે છે અને અરજદારોને એક કચેરીથી બીજી કચેરીના ગોળ ગોળ ધક્કા ખવડાવે છે. તાજેતરમાં મહાનગરપાલિકાએ પત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે કે સનદને લગતી બાબત તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી અને આ માટે સક્ષમ સત્તાધિકારીની કચેરીનો જ સંપર્ક કરવો પડે તેમ છે.વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરતા આ ૯૦ પરિવારોએ રોષ વ્યક્ત કરતા અંતમાં જણાવ્યું છે કે, જો તેમની વ્યાજબી માંગણી સ્વીકારીને સત્વરે સનદ આપવામાં નહીં આવે તો છૂટકે કલેક્ટર કચેરી સામે અન્ન અને જળનો ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે. આ ઉપવાસ દરમિયાન જો કોઈ વ્યક્તિના જાનને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર તથા કચેરીના સંબંધિત કર્મચારીઓની રહેશે.#Morbi #MorbiUpdate #Rohidaspara #DalitSamaj #CollectorOfficeMorbi #SanadIssue #GujaratNews #HungerStrikeWarning