મોરબી : આવનારી 20 તારીખથી અમુક ક્ષેત્રો માટે લોકડાઉમાં છૂટછાટ આપવામાં આવનાર છે ત્યારે એવા તમામ કાર્યક્ષેત્રો માટે સરકારી ગાઈડલાઇન્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે 9 ટીમની રચના કરવામાં આવી છે. 20 એપ્રિલથી લોકડાઉન સંદર્ભે જાહેર થયેલી સરકારી ગાઈડલાઇન્સ મુજબ જે જે સ્થળો, કારખાનાઓ, સંસ્થાઓમાં તમામ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા થઈ ગઈ હોય (નગરપાલિકા સિવાયના વિસ્તારોમાં) એવા તમામ સ્થળો પર સમયાંતરે યોગ્ય ચેકીંગ કરવા માટે 9 ટીમની રચના કરવામાં આવી છે. એવા તમામ સ્થાનો કે જેઓએ છૂટછાટ માટે ઓનલાઈન મંજૂરી મેળવી છે ત્યાં આ ટીમ દ્વારા સમયાંતરે સરકારી માર્ગદર્શીતાનું ચુસ્ત પાલન થાય છે કે કેમ એ ચેક કરવામાં આવશે. છૂટછાટ મેળવેલ જે સ્થાનો પર સરકારી ગાઈડલાઇન્સનું પાલન નહીં થતું હોય, શરતોનો ભંગ થતો હશે ત્યાં છૂટછાટની પરવાનગી રદ કરવાની ભલામણ આ ટીમ કરશે. આ માટે તાલુકાવાર ટીમની રચના કરવામાં આવી છે અને તેઓને કાર્યભારની સોંપણી થઈ ગઈ છે.