મોરબી : મોરબી નજીક આવેલા રાજપર ગામે સંત નાથાબાપા ભગતની સાતમી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ રામધૂન અને મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં ગામના લોકો અને હજારો અનુયાયીઓ ભારે શ્રદ્ધાથી ઉમટી પડ્યા છે.સંત નાથાબાપા ભગતે જગાવી હતી હરિનામની અલખરાજપર ગામના આગેવાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂજ્ય નાથાબાપાએ છેલ્લા ૪૮ વર્ષથી પોતાનું ઘરબાર છોડીને માત્ર હરિનામની જ અલખ જગાવી હતી. તેઓએ ૫૦૦ થી ૭૦૦ ગામડાઓમાં પ્રભાતફેરી અને ધૂન શરૂ કરાવી હતી. રાજપર ગામે પણ વર્ષો પહેલાં બાપાએ રામધૂનની જ્યોત પ્રગટાવી હતી, જે આજે પણ અખંડ પ્રજ્વલિત છે.૯ દિવસ સુધી અવિરત ચાલશે રામધૂનઆ ૯ દિવસીય અખંડ રામધૂનનો પ્રારંભ તારીખ ૧૮મીના રોજ સવારે કરવામાં આવ્યો છે. આ ધૂન આગામી ૨૭મી તારીખની સવાર સુધી સતત ૨૪ કલાક અવિરત ચાલશે. ગામના ધૂન મંડળ, ગોપી મંડળ, પ્રતિનિધિઓ અને તમામ યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા ખડેપગે સેવા આપી રહ્યા છે. રોજના હજારો લોકો અહીં દર્શન અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે, કોઈ રસોઈયા નહીં, ગામની બહેનો જ બનાવે છે રોટલાઆ ભવ્ય આયોજનની સૌથી વિશેષ અને પ્રેરણાદાયક બાબત એ છે કે મહાપ્રસાદ માટે કોઈ બહારથી રસોઈયા બોલાવવામાં આવ્યા નથી, પરંતુ ગામની જ મહિલાઓએ અને પુરુષોએ રસોડાની સંપૂર્ણ જવાબદારી ઉત્સાહભેર ઉપાડી લીધી છે. રાજપર ગામના હંસાબેન દલસાણિયાએ જણાવ્યું હતું કે, રસોડામાં દરરોજ ૨૦ થી ૨૫ બહેનો સેવામાં જોડાય છે. બહેનો પોતાના હાથે જ દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલા રોટલા અને ૨૫ કિલો લોટની રોટલી બનાવે છે. ગામની બહેનોમાં સેવા માટે એટલો ભારે ઉત્સાહ છે કે ઘણીવાર વધારે બહેનો આવી જાય તો તેમને ના પાડવી પડે છે કે હવે કામ પૂરું થઈ ગયું છે. રોજના ૨૦૦૦ જેટલાં લોકો મહાપ્રસાદ લે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ધાર્મિક કાર્યમાં પણ સૌને સહભાગી થવા અને દર્શનનો લાભ લેવા મહિલાઓ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.