કુલ 2094 ઉદ્યોગોને શરૂ કરવા વહીવટી તંત્રએ આપી લિલીઝંડી મોરબી : મોરબી જિલ્લામાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે શહેરી વિસ્તાર સિવાયના ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. છતાં શહેરી વિસ્તારના 865 ઉદ્યોગોએ પણ મંજૂરી માંગી હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ ઉદ્યોગોની અરજી વહીવટી તંત્રએ રિજેક્ટ કરી નાખી છે. હાલ લોકડાઉનમાં સરકારના આદેશ મુજબ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરી વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને શરતી મંજૂરી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કુલ 2959 અરજીઓ મળી હતી. જેમાંથી 865 અરજીઓ શહેરી વિસ્તારમાં હોય તેવા ઉદ્યોગોની હોવાથી તેને રદ કરી દેવામાં આવી છે. જ્યારે 2959 અરજીઓને મંજુર કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાની 1604, ટંકારા તાલુકાની 221, માળિયા તાલુકાની 29, હળવદ તાલુકાની 28 અને વાંકાનેર તાલુકાની 212 અરજીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે વહીવટી તંત્ર દ્વારા કુલ 2959 એકમોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.તેમાં સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર્સના 1176, ઓઇલ મિલ અને મિનરલના 96, ઇલેક્ટ્રિકલના 113, કન્સ્ટ્રક્શનના 82 અને અન્ય 627 યુનિટ છે.